દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારમાં પણ ભાજપ માટે છૂપાયેલા છે મોટા ખુશખબર, જાણો કેવી રીતે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રિઝલ્ટનો શોરબકોર પણ હવે શાંત થયો છે. આમ આદમી પાર્ટીને ફાળે 62 બેઠકો ગઈ અને પાર્ટીએ સતત ત્રીજીવાર દિલ્હીની સત્તા મેળવી છે. ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થયો નથી. જો કે પરિણામમાં હાર હોવા છતાં ભાજપ માટે ખુશખબર છૂપાયેલા છે. કારણ કે કોંગ્રેસનું જ્યાં દિલ્હીમાં પત્તું કપાઈ ગયું છે ત્યાં ભગવા પાર્ટીના વોટશેરમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. 

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારમાં પણ ભાજપ માટે છૂપાયેલા છે મોટા ખુશખબર, જાણો કેવી રીતે

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રિઝલ્ટનો શોરબકોર પણ હવે શાંત થયો છે. આમ આદમી પાર્ટીને ફાળે 62 બેઠકો ગઈ અને પાર્ટીએ સતત ત્રીજીવાર દિલ્હીની સત્તા મેળવી છે. ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થયો નથી. જો કે પરિણામમાં હાર હોવા છતાં ભાજપ માટે ખુશખબર છૂપાયેલા છે. કારણ કે કોંગ્રેસનું જ્યાં દિલ્હીમાં પત્તું કપાઈ ગયું છે ત્યાં ભગવા પાર્ટીના વોટશેરમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. 

63 બેઠકો પર ભાજપને મળેલા મતોની ટકાવારી વધી
દિલ્હીના પરિણામોનું વિશ્લેષણ કરતા માલુમ પડે છે કે ભાજપ ભલે ચૂંટણીમાં હાર્યો હોય પરંતુ મોટા ભાગની બેઠકો પર તેણે સારી એવી લીડ મેળવી અને તેના વોટશેરમાં પણ વધારો થયો છે. દિલ્હીની 70 વિધાનસભા  બેઠકોમાંથી ભાજપે આ વખતે 8માં જીત મેળવી છે. આ ઉપરાંત ભાજપનો વોટશેર 63 બેઠકો પર વધ્યો છે. 20 બેઠકો પર ભાજપનો 2015ની ચૂંટણીની સરખામણીમાં 10 ટકાથી વધુ વોટશેર વધ્યો છે. ભાજપનો સૌથી વધુ વોટશેર નઝફગઢ સીટ પર વધ્યો છે. અહીં ગત ચૂંટણી કરતા આ વખતે વોટશેર 21.5 ટકા વધ્યો છે. 

આપનો વોટશેર ઘટ્યો, વધ્યો
આપે ચૂંટણીમાં બમ્પર જીત મેળવી છે પરંતુ જ્યાં વોટશેરની વાત કરીએ તો 38 બેઠકો પર આપનો વોટશેર ઘટ્યો છે. જો કે ગત ચૂંટણીની સરખામણીમાં 5 બેઠકો એવી પણ છે કે જ્યાં 10 ટકા કરતા વધારે વોટશેર વધ્યો છે. આપે સૌથી વધુ મુસ્તફાબાદ વિધાનસભા પર વોટશેર વધારો મેળવ્યો છે જ્યાં 23 ટકા વધ્યો છે. આ ઉપરાંત 32 બેઠકો એવી છે કે જ્યાં આપનો વોટશેર પણ વધ્યો છે. મુસ્લિમ વસ્તીવાળી સીટો જેમ કે મુસ્તફાબાદ, મટિયા મહલ, ચાંદની ચોક, બલ્લીમરાન, સીલમપુર જેવી બેઠકો પર આપને જોરદાર લીડ મળી છે. આ ઉપરાંત 27 બેઠકો એવી પણ છે જ્યાં આપ અને ભાજપ બંનેનો વોટશેર વધ્યો. કરાવલ નગર બેઠખ પર આપના વોટ સૌથી વધુ ઘટ્યા. ગત ચૂંટણી કરતા આ વખતે તેને 13.5 ટકા મતો ઓછા મળ્યાં. 

કોંગ્રેસના સૂપડાં સાફ
કોંગ્રેસ સતત બીજીવાર દિલ્હીમાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગઈ છે. પાર્ટીના 63 ઉમેદવારો પોતાની ડિપોઝીટ ગુમાવી બેઠા. કોંગ્રેસે 63 બેઠકો પર પોતાનો વોટશેર ગુમાવ્યો છે. દિલ્હીમાં પોતાના સૌથી ખરાબ પ્રદર્શન સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસ માટે સારા સમાચાર કસ્તુરબાનગરથી આવ્યાં જ્યાં તેણે પોતાનો વોટ શેર 2015ની સરખામણીમાં 10 ટકા વધાર્યો. મુસ્તફાબાદમાં કોંગ્રેસે સૌથી વધુ ગુમાવ્યો જ્યાં તેના મતો સીધા આપના ખાતામાં ગયાં. મુસ્તફાબાદમાં કોંગ્રેસને 2015ની સરખામણીમાં 28.8 ટકા મત ઓછા મળ્યાં. 

જુઓ LIVE TV

કોને કેટલા મળ્યાં મત
દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને ભરપૂર સમર્થન આપ્યું છે. આમ આદમી પાર્ટીને કુલ  49,74,522 મતો મળ્યાં જ્યારે ભાજપને 35,75,430 મત અને કોંગ્રેસને 3,95,924 મત મળ્યાં. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં સમગ્ર કેબિનેટ સાથે 16 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news